વેદના ચાર પ્રકાર :- ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
સૌને જય શ્રીકૃષ્ણ

ઋગ્વેદ : ઋગ્વેદ સહુથી પહેલો વેદ છે. તેમાં ધરતીની ભૌગોલિક સ્થિતિ, દેવતાઓના આહ્વાનના મંત્રો છે. આ વેદમાં 1028 ઋચાઓ(મંત્રો) અને 10 મંડળ(અધ્યાય) છે.
યજુર્વેદ : યજુર્વેદમાં યજ્ઞની વિધિઓ અને યજ્ઞોમાં પ્રયોગ કરાય તેવા મંત્રો છે. આ વેદની બે શાખાઓ છે, શુક્લ અને કૃષ્ણ. તેના 40 અધ્યાયોમાં 1975 મંત્રો છે.
સામવેદ : આ વેદમાં ઋગ્વેદની ઋચાઓ(મંત્રો)નું સંગીતમય રૂપ છે. સામવેદમાં મૂળરુપે સંગીતની ઉપાસના છે. તેમાં 1875 મંત્રો છે.
અથર્વવેદ : આ વેદમાં રહસ્યમય વિદ્યાઓના મંત્રો છે. જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ વગેરે. આ વેદ સહુથી મોટો છે. તેના 20 અધ્યાયોમાં 5687 મંત્રો છે.
વેદના છ અંગ છે
શિક્ષા – પહેલું અંગ, આ વેદાંગ વેદના મંત્રોને યોગ્ય રીતે કેમ બોલવા તે શીખવે છે. (ઉચ્ચારશાસ્ત્ર)
કલ્પ – જેમાં યજ્ઞયાગાદિક ક્રિયાના નિયમોનું પ્રતિપાદન મળે છે (ક્રિયાવિધિશાસ્ત્ર)
વ્યાકરણ – એ પ્રધાનતમ અંગ છે, ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે. તે સાધુ શબ્દનું જ્ઞાન કરાવે છે અને અસાધુ અપભ્રષ્ટ શબ્દનો પ્રયોગ અટકાવે છે
નિરુક્ત – વેદનું ચોથું અંગ. શબ્દ, મૂળ, વ્યુત્પત્તિ, વૈદિક પદો તથા પદાર્થોનું નિરૂપણ કરનાર શાસ્ત્ર (વ્યુત્પત્તિશાસ્ત્ર),
છંદ – વેદના યથાપદ્ધતિ સ્વાધ્યાય માટે છંદાદિનું નિયમન અને જ્ઞાન આપનારૂં શાસ્ત્ર.
જ્યોતિષ – ગણિત, ફળ અને મુહૂર્ત વડે યજ્ઞયાગાદિ ક્રિયા માટે શોભન કાળનો નિર્ણય કરનારૂં શાસ્ત્ર
વેદના ચાર ઉપ અંગ છે
પુરાણ
ન્યાય
મીમાંસા
ધર્મશાસ્ત્ર
(૬) યજુર્વેદ
KRISHNA-YAJURVEDA
ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં એક ઉલ્લેખ એવો પણ મળે છે કે વેદોનું વિભાજન ચાર વેદમાં થયું તે પહેલાં એક જ વેદ યજુર્વેદ હતો. જો કે આ વાતને વિદ્વાનોનું સમર્થન મળતું નથી, પરંતુ હકીકતમાં વૈદિકકાળમાં યજુર્વેદને અધિક મહત્વ તો મળતું જ હતું, કારણ કે તે સમયે યજ્ઞનો મહિમા ઘણો હતો અને યજુર્વેદમાં યજ્ઞવિધિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.
મંત્રોના સ્વરૂપની દ્રષ્ટિએ યજુર્વેદના મંત્રો ગદ્ય સ્વરૂપે છે. સંસ્કૃતમાં ગદ્ય એટલે યજુ:, જેના પરથી યજુર્વેદ નામ આવ્યું છે. યજુ:ની શાસ્ત્રીય વ્યાખ્યા મુજબ જેમાં અક્ષરોની મર્યાદા નિશ્ચિત નથી તે યજુ: છે. એક અન્ય વ્યાખ્યા મુજબ ઋચા (મંત્ર) અને સામ (ગાન) સિવાયનું બધું યજુ: છે. યજુ:નો એક અર્થ પૂજા અથવા યજ્ઞ પણ થાય છે અને યજુર્વેદમાં યજ્ઞનો ઘણો મહિમા છે.
જેમ પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને ઈતિહાસ વિષે જાણવા માટે ઋગ્વેદ ઉપયોગી છે, તે જ રીતે પ્રાચીન યજ્ઞ વિધિવિધાનની માહિતી જાણવા માટે યજુર્વેદ મહત્વનો છે.
યજુર્વેદ “કામ”નો ગ્રંથ છે. કામમાં કર્મ, કામનાઓ અને મન ત્રણેયનો સમાવેશ થાય છે. યજુર્વેદ કર્મકાંડની પ્રાધ્યાનતા ધરાવતો ગ્રંથ છે. આમાં યજ્ઞનું મહત્વ છે જે કર્મનું પ્રતિક પણ છે. વાયુ મનનું પ્રતિક છે, કારણકે મન વાયુની જેમ ઝડપથી ગતિ કરે છે અને અસ્થિર પણ છે. તેથી વાયુને યજુર્વેદના મુખ્ય દેવતા માનવામાં આવ્યા છે. કર્મમાં શ્રેષ્ઠતા માટે મનને સાધવું આવશ્યક છે. મનને સાધવાથી જ તેમાંથી કામનાઓનો લોપ થશે અને મન સદ્કર્મો અને ધર્મના સંચયમાં લાગશે.
યજુર્વેદની રચના કુરુક્ષેત્ર વિસ્તારમાં થઇ હોવાનું મનાય છે.
યજુર્વેદની બે સંહિતાઓ ઉપલબ્ધ છે: શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. પરંતુ આ બે જુદા વિભાગો કે જુદા વેદ નથી, પરંતુ બે સંપ્રદાયની બે સંહિતાઓ છે. યજુર્વેદના બે સંપ્રદાય છે: આદિત્યસંપ્રદાય અને બ્રહ્મસંપ્રદાય. આદિત્યસંપ્રદાયના મહર્ષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા સૂર્યની આરાધના કરીને શુક્લ યજુર્વેદ મેળવવામાં આવ્યો છે, જયારે કૃષ્ણ યજુર્વેદ બ્રહ્મસંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરે છે.
કૃષ્ણ યજુર્વેદમાં સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક ભાગની ભેળસેળ થઇ ગઈ હોવાથી અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત છે. વળી મંત્રોની અપૂર્ણતા છે અને પાઠમાં દ્વિવિધતા છે. તેથી તેને કૃષ્ણ એટલેકે શ્યામ -અંધકારમય એવું નામ અપાયું છે. જયારે શુક્લ યજુર્વેદ સુવ્યવસ્થિત હોવાથી તેને શુક્લ નામ અપાયું છે.
કૃષ્ણ યજુર્વેદ દક્ષિણ ભારતમાં પ્રચલિત છે, જયારે શુક્લ યજુર્વેદ ઉત્તર ભારતમાં પ્રચલિત છે.
યજુર્વેદનું સ્વરૂપ:
યજુર્વેદના મંત્રોને કંડિકાઓ કહેવામાં આવે છે અને કંડિકાઓના સમૂહને અનુવાક કહે છે. આવાં ઘણાં અનુવાક મળીને અધ્યાય બને છે. યજુર્વેદમાં ૪૦ અધ્યાય, ૩૦૩ અનુવાક અને ૧૯૭૫ કંડિકાઓ છે.
યજુર્વેદમાં ૬૬૩ મંત્ર ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે, જે પદ્ય સ્વરૂપમાં છે, બાકીના બધાં મંત્રો (કંડિકાઓ) ગદ્ય સ્વરૂપમાં છે.
યજુર્વેદના મંત્રો ગદ્ય સ્વરૂપમાં હોવા છતાં પ્રાચીન પરંપરા પ્રમાણે તેને પણ છંદોબદ્ધ માનવામાં આવે છે. તે મુજબ ૮ પ્રકારના છંદો યજુર્વેદમાં મળે છે.
યજ્ઞ દરમ્યાન યજુર્વેદનો પાઠ કરનાર બ્રાહ્મણને અધ્વર્યુ કહેવામાં આવે છે.
યજુર્વેદનું જ્ઞાન :
યજુર્વેદમાં યજ્ઞ એ પ્રધાનવિષય છે, એટલે મુખ્યત્વે તેમાં અલગ અલગ પ્રકારના યજ્ઞોના મંત્રો છે અને યજ્ઞની વિધિનું અને કર્મકાંડનું વર્ણન છે. પરંતુ તે ઉપરાંત તેમાં અનેક સુંદર વિચારોનો સંગ્રહ પણ છે.
યજુર્વેદના ૪૦ અધ્યાય છે. તેના પહેલા અને બીજા અધ્યાયમાં દશ-પૂર્ણમાસ અને પિંડપિતૃયજ્ઞનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં અગ્નિહોત્ર અને ૪ થી ૮ અધ્યાય સુધીમાં સોમયાગનું વર્ણન છે. નવમા અને દશમા અધ્યાયમાં વાજપેયયજ્ઞ અને રાજસૂય યજ્ઞના મંત્રો છે. ૧૧ થી ૧૮ અધ્યાય સુધી અગ્નિચયનનું વર્ણન છે, જેમાંથી ૧૬મા અધ્યાયમાં શતરુદ્રીય હોમનું વર્ણન છે, જે રુદ્રાધ્યાય તરીકે પ્રખ્યાત છે. ૧૯ થી ૨૧માં સૌત્રામણી, ૨૨ થી ૨૫માં અશ્વમેઘયજ્ઞ, ૨૬ થી ૨૯માં ખિલમંત્રો છે. ૩૦માં પુરુષમેઘયજ્ઞ, ૩૧માં પુરુષસૂક્ત, ૩૨ અને ૩૩માં સર્વમેઘયજ્ઞ, ૩૪માં સુપ્રસિદ્ધ શિવસંકલ્પ મંત્રો, ૩૫માં પિતૃમેઘયજ્ઞ અને ૩૬ થી ૩૯માં પ્રવ્ગર્યયાગયજ્ઞનું વર્ણન છે.
તેનો છેલ્લો એટલેકે ૪૦મો અધ્યાય એ સુપ્રસિદ્ધ ઇશાવાસ્ય ઉપનિષદ છે. સંહિતા ભાગમાં સમાવાયેલ હોવાથી ઇશાવાસ્ય ઉપનિષદ મંત્રોપનિષદ ગણાય છે અને સર્વ ઉપનિષદોમાં તેની ગણના પ્રથમ થાય છે.
યજુર્વેદમાં ભક્તિભાવપૂર્ણ સ્તોત્રો પણ છે, જેમ કે માતા અદિતિની પ્રાર્થના, જલદેવીની સ્તુતિ, વિગેરે. શાંતિની ઝંખના કરતો પ્રખ્યાત सर्व शांति: વાળો શાંતિમંત્ર પણ યજુર્વેદનો જ ભાગ છે.
શુક્લ યજુર્વેદના ૨૨મા અધ્યાયનો ૨૨મો મંત્ર તે આપણું પ્રસિદ્ધ પ્રાચીન રાષ્ટ્રગીત છે.
યજુર્વેદની શાખાઓ:
શુક્લ યજુર્વેદની વાજસનેયી સંહિતા હાલ પૂર્ણ સ્વરૂપે ઉપલબ્ધ છે. શુક્લ યજુર્વેદના રચયિતા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય વાજસનિના પુત્ર હતા, તેથી વાજસનેય તરીકે ઓળખાતા હતા. તેમના નામ પરથી આ સંહિતા વાજસનેયી સંહિતા તરીકે ઓળખાય છે. એક અન્ય તર્ક પ્રમાણે સૂર્યનું એક નામ વાજસનિ છે. જેથી સૂર્યની આરાધના કરીને રચાયેલી આ સંહિતાનું નામ વાજસનેયી સંહિતા પડ્યું છે.
મહર્ષિ યાજ્ઞવલ્ક્યના ૧૫ શિષ્યો હતા, જેમના નામ પરથી શુક્લ યજુર્વેદની ૧૫ શાખાઓ પ્રચલિત થઇ, પરંતુ અત્યારે તેમાંથી ફક્ત બે જ શાખાઓ ઉપલબ્ધ છે: માધ્યંદિન અને કાણ્વ.
મહર્ષિ યાજ્ઞવલ્ક્યના એક શિષ્ય માધ્યંદિનના નામ પરથી માધ્યંદિન શાખા બની છે. એક અન્ય અભિપ્રાય મુજબ સૂર્ય પાસેથી મહર્ષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા દિવસના મધ્યકાળે પ્રાપ્ત કરી હોવાથી માધ્યંદિન સંહિતા નામ પડ્યું છે. આ સંહિતા વાજસનેયી માધ્યંદિન સંહિતા તરીકે ઓળખાય છે, જે ઉત્તર ભારત અને નેપાળમાં વિશેષ રૂપે પ્રચલિત છે.
મહર્ષિ યાજ્ઞવલ્ક્યના એક અન્ય શિષ્ય કાણ્વના નામ પરથી કાણ્વશાખા બની છે. એક અન્ય અભિપ્રાય મુજબ સૂર્ય પાસેથી મહર્ષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા સૂર્યના ઘોડાના કાનમાં બેસીને પ્રાપ્ત કરી હોવાથી તેનું નામ કાણ્વસંહિતા નામ પડ્યું છે. આ સંહિતા મધ્ય અને દક્ષિણ ભારત પ્રચલિત છે.
માધ્યંદિન સંહિતા અને કાણ્વસંહિતાનો વિષય સમાન જ છે, માત્ર અધ્યાય અને મંત્રોના ક્રમમાં થોડો ફેરફાર છે.
શુક્લ યજુર્વેદને શતપથ નામનો એક બ્રાહ્મણ ગ્રંથ છે, જે સમસ્ત બ્રાહ્મણગ્રંથોમાં સૌથી મહત્વપૂર્ણ, વિપુલકાય અને યજ્ઞવિધિને સર્વોતમરીતે સમજાવનાર છે. આ બ્રાહ્મણ માધ્યંદિન અને કાણ્વ બંને શાખાઓમાં મળે છે. બંનેમાં વિષયની સમાનતા હોવા છતાં વર્ણન ક્રમ અને અધ્યાયોની સંખ્યામાં થોડો ભેદ છે. માધ્યંદિન શાખાના બ્રાહ્મણમાં ૧૦૦ અધ્યાય હોવાથી તેનું નામ શતપથ પડ્યું છે, જો કે કાણ્વ શાખાના શતપથ બ્રાહ્મણમાં ૧૦૪ અધ્યાયો છે. શતપથ બ્રાહ્મણમાં યજ્ઞોનાં વિવિધ સ્વરૂપો અને અનુષ્ઠાનોનું પરિપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. તદુપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ યજ્ઞનું મહત્વ સમજાવેલ છે. શતપથ બ્રાહ્મણમાં યજ્ઞને જીવનનું સર્વશ્રેષ્ઠ કર્મ ગણાવેલ છે (यज्ञो वै श्रेष्ठतमं कर्म I श. ब्रा. : १-७-३-५).
શુક્લ યજુર્વેદને બૃહદારણ્યક નામનું એક આરણ્યક તેમજ ઈશાવાસ્યોપનિષદ અને બૃહદારણ્યક નામનાં બે ઉપનીષદો છે.
કૃષ્ણ યજુર્વેદને ૮૬ શાખાઓ હતી, જેમાંથી અત્યારે ચાર શાખાઓ ઉપલબ્ધ છે: તૈતરીય, મૈત્રાયણી, કઠ અને કપિષ્ઠલ.
કૃષ્ણ યજુર્વેદને તૈતરીય નામનો એક બ્રાહ્મણ ગ્રંથ છે, તેમજ તે નામનું એક આરણ્યક પણ છે. ઉપરાંત તૈત્તિરીયોપનીષદ, કઠોપનિષદ અને શ્વેતાશ્વતરોપનિષદ નામનાં ત્રણ ઉપનીષદો છે.
યજુર્વેદના પ્રસિદ્ધ મંત્રો:
૧) મનુષ્યને ઉચ્ચ અને આદર્શ જીવનશૈલીનો ઉપદેશ આપનાર યજુર્વેદના ૩૬મા અધ્યાયનો ૧૮મો મંત્ર જો વિશ્વના દરેક મનુષ્ય પાલન કરવા માંડે તો પૃથ્વી પર જ સ્વર્ગ રચાઈ જાય.
द्रते दंह मा मित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम I
मित्रस्याहम चक्षुषा सर्वाणि भूतानि समीक्षे I मित्रस्य चक्षुषा समीक्षामहे II
અર્થ: મને બધાં પ્રાણીઓ મિત્રની દ્રષ્ટિથી જુએ. હું બધાં પ્રાણીઓને મિત્રની દ્રષ્ટિથી જોઉં. અમે બધા એકબીજાને મિત્રની દ્રષ્ટિથી જોઈએ.
અહીં મનુષ્યો એકબીજાના મિત્ર બને તેવી વિશ્વબંધુત્વની ભાવનાની સાથે મનુષ્યેતર સર્વે પ્રાણીઓને પણ એકબીજાના મિત્ર બનાવીને પર્યાવરણના સંરક્ષણની પણ આદર્શ કલ્પના કરવામાં આવી છે.
૨) યજુર્વેદના ૩૧મા અધ્યાયનો ૧૧મો મંત્ર બહુ જ સુંદર સંદેશ આપનારો મંત્ર છે, પરંતુ અમુક અનુવાદ્કોએ તેનો ભાવ સમજ્યા વગર ખોટો અને અધૂરો અર્થ કરીને વેદના આદર્શ સંદેશને અયોગ્ય રીતે પ્રસ્તુત કરીને વેદની બદનામી કરી છે.
ब्राह्मणोस्य मुखमासीद् बाहू राजन्य: कृत: I
ऊरू तदस्य यद् वैश्य: पद्भ्यां शूद्रो अजायत II
અર્થ: આ સમાજરૂપી શરીરનું મુખ બ્રાહ્મણ છે, હાથ ક્ષત્રિય છે, જાંઘ વૈશ્ય છે અને પગ શુદ્ર છે.
આ પ્રતીકાત્મક વાતનો અર્થ એ છે કે મસ્તિષ્કના પ્રતિકરૂપી બ્રાહ્મણ સમાજને જ્ઞાન, સમજણ, ડહાપણ અને માર્ગદર્શન આપે. હાથના પ્રતિકરૂપી ક્ષત્રિય સમાજનું રક્ષણ કરે અને પગના પ્રતિકરૂપી વૈશ્ય અને શુદ્ર સમાજના સંચાલનનું કાર્ય કરે. ટૂંકમાં જેમ વ્યક્તિ માટે તેનાં દરેક અંગ જરૂરી અને ઉપયોગી છે, તેમ સમાજના આ બધા જ વર્ગ પણ સમાજના યોગ્ય સંચાલન અને વિકાસ માટે ઘણા જરૂરી છે.
પરંતુ કેટલાક અનુવાદ્કોએ તેનો અવળો અર્થ કર્યો છે કે વેદમાં બ્રાહ્મણને મનુષ્યના મુખ સમાન શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે અને શુદ્રને પગ સાથે સરખાવીને નિમ્ન દરજ્જો આપવામાં આવ્યો છે. વાસ્તવમાં વેદકાલીન ભારતમાં સમાજના દરેક વર્ણને સરખું મહત્વ આપવામાં આવતું હતું અને વૈદિક સાહિત્યની રચનામાં પણ શુદ્ર વર્ણના વિદ્વાનોએ ફાળો આપ્યો છે. જો કે વેદકાલીન કર્મ આધારિત વર્ણવ્યવસ્થા પછીના મધ્યયુગમાં જન્મ આધારિત વર્ણવ્યવસ્થામાં બદલાઈ ગઈ અને તેનાથી ભારતીય સમાજ વિભાજીત થવાથી નબળો બન્યો. પરંતુ એ જુદી વાત છે અને જ્યાં સુધી વૈદિકકાળની વાત છે ત્યાં સુધી વર્ણવ્યવસ્થા કર્મ આધારિત હતી અને ત્યારે દરેક વર્ણને સરખું મહત્વ અપાતું હતું.
૩) શાંતિની ઝંખના એ માનવજીવનની સૌથી ઉચ્ચ આકાંક્ષા છે. એટલે જ વેદ અને ઉપનિષદના અનેક મંત્રોમાં આ શાંતિની ઝંખનાનું પ્રતિબિંબ ઝીલાયું છે. શુક્લ યજુર્વેદના ૩૬મા અધ્યાયનો ૧૭મો મંત્ર પ્રસિદ્ધ શાંતિમંત્ર છે:
दयो शान्तिरंतरिक्ष शान्ति: पृथिवी शान्ति: शान्तिराप: शान्तिरोषधय: शान्ति: I
वनस्पतय: शान्ति: विश्वेदेवा: शान्ति: ब्रह्म शान्ति: सर्व शान्ति: शान्तिरेव शान्ति: सा मा शान्तिरेधि II
આ મંત્રમાં ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે કે સૂર્ય, અંતરીક્ષ, પૃથ્વી, જળ, ઔષધિ, વનસ્પતિ, સર્વે વિદ્વાન, બ્રહ્મ અને આ સર્વેથી ભિન્ન પદાર્થો પણ શાંત થાઓ, તે શાંતિ મારામાં આવીને વસો અને વિશ્વસમસ્તને શાંત કરનારી શાંતિ પણ સ્વયં શાંત થઇ જાઓ. કેવી અદભૂત કલ્પના !
૪) શુક્લ યજુર્વેદના ૨૨મા અધ્યાયનો ૨૨મો મંત્ર તે આપણું પ્રસિદ્ધ પ્રાચીન રાષ્ટ્રગીત છે.
ओ३म् आ ब्रह्मन् ब्राह्मणों ब्रह्मवर्चसी जायतामाराष्ट्रे राजन्यः शूरऽइषव्योऽतिव्याधी महारथो जायतां दोग्ध्री धेनुर्वोढ़ाऽनड्वानाशुः सप्तिः पुरन्धिर्योषा जिष्णू रथेष्ठाः सभेयो युवास्य यजमानस्य वीरो जायतां निकामे-निकामे नः पर्जन्यो वर्षतु फलवत्यो नऽओषधयः पच्यन्तां योगक्षेमो नः कल्पताम् ॥ — यजुर्वेद २२, मन्त्र २२
હિંદી કાવ્યાનુવાદ
ब्रह्मन् ! स्वराष्ट्र में हों, द्विज ब्रह्म तेजधारी।
क्षत्रिय महारथी हों, अरिदल विनाशकारी ॥
होवें दुधारू गौएँ, पशु अश्व आशुवाही।
आधार राष्ट्र की हों, नारी सुभग सदा ही ॥
बलवान सभ्य योद्धा, यजमान पुत्र होवें।
इच्छानुसार वर्षें, पर्जन्य ताप धोवें ॥
फल-फूल से लदी हों, औषध अमोघ सारी।
हों योग-क्षेमकारी, स्वाधीनता हमारी ॥
અર્થ:
હે ઈશ્વર ! અમારા બ્રાહ્મણો ઉત્કૃષ્ટ જ્ઞાની હોય. તે સ્વાર્થી, લોભી કે નીચી કામનાવાળા ના હોય.
ક્ષત્રિયો બળવાન, શુરવીર, હથિયારધારી અને શત્રુઓને હરાવનારા મહારથી હોય, જેથી કોઈ અમારા રાષ્ટ્ર પર આક્રમણ કરવાની કલ્પના પણ ના કરે.
અમારી ગાયો દૂધ આપનારી હોય, બળદો શક્તિશાળી હોય અને ઘોડાઓ તેજ હોય.
અમારી સ્ત્રીઓ સ્વસ્થ અને સુંદર હોય. તે કોમળ, નિર્બળ અને રોગી ના હોય, જેથી તેમનાં સંતાનો હ્રુષ્ટપુષ્ટ હોય.
અમારા સૈનિકો વિજયની ઈચ્છા ધરાવતા હોય.
અમારા પુત્રો ગુણવાન હોય.
અમારી આવશ્યકતા હોય ત્યારે અને તેટલો વરસાદ આવે.
અમારા ખેતી ફળદાયી હોય.
અમારા રાષ્ટ્રમાં યોગક્ષેમ રહે, અર્થાત અમારા રાષ્ટ્રમાં જરૂરી એવા બધા જ પદાર્થોનું યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન થાય અને ઉત્પન્ન થયેલ વસ્તુઓનો લોકોને પુરેપુરો લાભ મળે.
સાચા અર્થમાં સમગ્ર રાષ્ટ્રના તમામ લોકો માટે લાભકર્તા, ફળદાયી અને કલ્યાણકારી આદર્શો હજારો વર્ષ પહેલાં રજૂ કરનાર આ મંત્રો આજના જમાનામાં પણ પ્રસ્તુત છે. તો સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે આવી અદભૂત કલ્પના અને પ્રાર્થના કરનાર આપણા વિદ્વાન ઋષિઓને શત શત પ્રણામ કરીને આપણે આગળ વધીએ.
પંચામૃત:
અનોખી સંસ્કૃત ભાષામાં કેવળ બે મૂળાક્ષરના ઉપયોગ દ્વારા રચાયેલો અદભૂત શ્લોક આપણે ગયા પ્રકરણમાં જોયો છે. હવે તેથી પણ અદભૂત એક અન્ય રચના જોઈએ, જેમાં ફક્ત એક જ અક્ષરના ઉપયોગથી અર્થસભર મંત્ર રચાયો છે.
૬ઠ્ઠી સદી દરમ્યાન ભારવિ નામના મહાન કવિ અને સાહિત્યકારે તેમના किरातार्जुनीय નામના કાવ્યસંગ્રહમાં ફક્ત न વ્યંજનનો ઉપયોગ કરીને ગજબનું સાહિત્યિક કૌશલ્ય વાપરી અદભૂત અર્થપૂર્ણ શ્લોક રચ્યો છે.
न नोननुन्नो नुन्नेनो नाना नानानना ननु l
नुन्नोSनुन्नो ननुन्नेनो नानेना नुन्ननुन्न नून ll
અર્થ: જે મનુષ્ય (યુદ્ધમાં) તેના કરતાં નબળા મનુષ્યના હાથે ઘવાય તે ખરો મનુષ્ય નથી. એવી જ રીતે પોતાના કરતાં નબળા મનુષ્યને જો ઘાયલ કરે તો એ પણ મનુષ્ય નથી. ઘાયલ મનુષ્યનો સ્વામી જો ઘાયલ ન થયો તો એવો મનુષ્ય પોતે ઘાયલ ગણાય નહિ અને ઘાયલ થયેલા મનુષ્યને જો એ ઘાયલ કરે તો એ પણ મનુષ્ય નથી.
છે કોઈ અન્ય ભાષામાં આટલું શબ્દ અને અર્થ વૈવિધ્ય, જે ફક્ત એક જ અક્ષરના ઉપયોગ વડે એક આખો અર્થસભર શ્લોક રચી બતાવે !
----------------------------------------------------------
વેદ-દર્શન
વેદ અને માનવ કલ્યાણ
પહેલો અધ્યાય - વૈદિક ધર્મની આવશ્યકતા
પ્રશ્ન - વૈદિક ધર્મ એટલે શું?
ઉત્તર - વેદોને ભણવા, એના અર્થોને સમજવા અને એને અનુકૂળ આચરણ કરવાને વૈદિક ધર્મ કહે છે.
પ્રશ્ન - વૈદિક ધર્મ પર આચરણ કરવાથી શું લાભ થાય છે?
ઉત્તર - વૈદિક-ધર્મનું પાલન કરવાથી મનુષ્યોના બધાં દુર્ગુણો દૂર થઈ જાય છે અને પુણ્ય કર્મ કરવા તરફ ગતિ થાય છે. પરિણામે મનુષ્ય દુઃખોથી બચીને સુખ પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન - કેવી રીતે જાણવું?
ઉત્તર - વેદમાં પ્રાર્થના છે -
ओम् विश्वानि देव सवितर्दुरितानि परासुव। यद् भद्रं तन्न आसुव।। यजुर्वेद अ. 30, मं. 3।।
હે પરમાત્મન્! આપ હધાને શ્રેષ્ઠ કર્મ કરવાનની પ્રેરણા આપવા વાળા છો. એવી કૃપા કરો કે અમારા બધાં દુર્ગુણો દૂર થઈ જાય અને અમારા માટે જે કંઈ ભદ્ર અર્થાત્ સુખ આપવા વાળા કર્મ હોય એ બધાંની અમને પ્રાપ્તિ કરાવો.
પ્રશ્ન - શું વેદોનો સ્વાધ્યાય કરવાથી સુખ મળે છે?
ઉત્તર - વેદોનો સ્વાધ્યાય કરવાથી અને એમાં આપંલ શિક્ષાઓ પર આચરણ કરવાથી ચોક્કસ જ સુખ મળશે. જુઓ -
कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतं समाः।
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे।। यजुर्वेद अ. 40, मं. 2
મનુષ્યો માટે યોગ્ય છે કે વેદોને અનુકૂળ કર્મ કરતાં કરતાં જ સો વર્ષ સુધી જીવવાની ઇચ્છા રાખે. માત્ર આ એક જ માર્ગ છે, બીજો કોઈ નહીં કે જેના પર ચાલવાથી મનુષ્ય કર્મ બન્ધનમાંથી છૂટીને મોક્ષને પ્રાપ્ત કરી શકે.
પ્રશ્ન - વેદ ભણવા અને એને સમજવા એ તો ખૂબજ અઘરું છે. બધાં આમ ન કરી શકે.
ઉત્તર - મોક્ષ પામવો પણ સરળ નથી. જેટલો ગોળ નાખો એટલું ગળપણ આવે. વેદના વિષયમાં ધીરે ધીરે થોડો - થોડો સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરો. એનાથી ધીરે - ધીરે પાપચરણ દૂર થશે, પુણ્ય-કર્મ તરફની પ્રવૃત્તિ થશે. જેમ-જેમ પાપકર્મ ઓછા થશે, તેમ તેમ પુણ્યની વૃદ્ધિ થશે અને દુઃખોમાંથી છૂટકારો મળશે.
પ્રશ્ન - શું વેદોના પઠન માત્રથી દુઃખ દૂર થઈ શકે?
ઉત્તર - જ્યાં સુધી વેદોને અનુકૂળ આચરણ ન કરીએ, તો માત્ર પઠન-પાઠનથી જ કામ ન ચાલી શકે. દવા ખાવાથી જ રોગ દૂર થાય છે. વેદ-મન્ત્રોના સ્વાધ્યાયથી માત્ર કર્તવ્ય-કર્મોનો બોધ થાય છે; પરન્તુ જ્યાં સુધી વેદાનુકૂળ કર્તવ્ય-કર્મોનું પાલન કરવામાં ન આવે, ત્યાં સુધી યથાર્થ લાભ ન થઈ શકે. જુઓ -
उत त्वः पश्यन् न ददश वाचमुत त्वः। श्रृणवन् न श्रृणोत्येनान्।। ऋक.. मंडल 10, सू. 71, मं.4।।
કોઈ જોવા છતાં નથી જોતું, કોઈ સાંભળવા છતાં નથી સાંભળતું, અર્થાત જે વેદ ભણીને કે વેદોનો ઉપદેશ સાંળીને તેના પર આચરણ નથી કરતું એ આંધળા અને બહેરા સમાન છે.
अंधेना चरति माययैष वाचं शुश्रुवाँ अफलामपुष्पाम्।। ऋक्. मं. 10, सू. 71, मं. 5।।
એણે એમ સમજવું જોઈએ કે જેમ કોઈ એવી જાદુની ગાય માટે ફરતું હોય. જે દૂધ નથી આપતી. એવી જ રીતે જે વેદની શિક્ષાનું પાલન નથી કરતા એ વેદ વિદ્યારૂપી વૃક્ષના ફળ અને ફૂલોનો લાભ નથી લઈ શકતા.
એટલે મનુષ્યો માટે યોગ્ય છે કે વેદોનો સ્વાધ્યાય કરે, સમજે અને એના પર આચરણ કરે. જે સમ્પૂર્ણ વેદ નથી વાંચી શકતા, તેઓ એવી નાની-નાની પુસ્તિકાઓ વાંચે કે જેમાં વેદોની શિક્ષા આપી હોય.
બીજો અધ્યાય
વેદ એટલે શું?
પ્રશ્ન - વેદ એટલે શું?
ઉત્તર - અત્યન્ત પ્રાચીન ચાર ગ્રન્થોનું નામ વેદ છે. પહેલો ઋગ્વેદ, બીજો યજુર્વેદ, ત્રીજો સામવેદ અને ચોથો અથર્વવેદ. આના કરતાં કોઈ ધર્મશાસ્ત્ર પ્રાચીન નથી. જે અન્ય સમ્પ્રાદાયો કે કહેવાતા ધર્મોના ધર્મ-ગ્રન્થ લખાયા છે તે બધાં પાછળથી લખાયેલા છે.
પ્રશ્ન - વેદોની રચના કોણે કરી છે?
ઉત્તર - વેદોને કાઈ મનુષ્યે નથી બનાવ્યા. પ્રલયની અવધિના સમાપન પછી જ્યારે ઈશ્વર સૃષ્ટિની રચના કરે છે, ત્યારે મનુષ્યોના જ નહી, મનુષ્ય દ્વારા જીવમાત્રના કલ્યાણ માટે ઋષિઓના હૃદયમાં વેદોનો પ્રકાશ કરે છે. સૃષ્ટિના આરમ્ભમાં ચાર ઋષિ થયા. એકનું નામ અગ્નિ હતું, આ અગ્નિ ઋષિના હૃદયમાં ઋગ્વેદનો પ્રકાશ થયો. બીજા ઋષિનું નામ વાયુ હતું, આ વાયુ ઋષિના હૃદયમાં યજુર્વેદનો પ્રકાશ થયો. ત્રીજા ઋષિનું નામ આદિત્ય હતું, આ આદિત્ય ઋષિના હૃદયમાં સામવેદનો પ્રકાશ થયો. ચોથા ઋષિનું નામ અંગિરા હતું, આ અંગિરા ઋષિના હૃદયમાં અથર્વવેદનો પ્રકાશ થયો.
આ ચારે ઋષિઓએ પરસ્પરના સહયોગથી સંસારના અન્ય મનુષ્યોમાં વેદોનો પ્રચાર કર્યો. પછી ઋષિઓ થતા ગયા, તેઓએ વેદમન્ત્રોની વ્યાખ્યાઓ કરી અને બીજા ગ્રન્થો લખ્યા. આ બધાને વૈદિક શાસ્ત્ર કહે છે.
પ્રશ્ન - એના પ્રમાણ આપો.
ઉત્તર - જુઓ -
तस्माद् यज्ञात् सर्वहुत ऋचः सामानि जज्ञिरे।
छन्दांसि जज्ञिरे तस्माद् यजुस्तस्मादजायत।। यजु. अ. 31, मं. 7।।
બધાના પૂજનીય પરમાત્મા દ્વારા ઋગ્વેદ, સામવેદ, છન્દ અર્થાત અથર્વવેદ અને યજુર્વેદ ઉત્પન્ન થયા.
પ્રશ્ન - ચાર વેદ જુદા જુદા શા માટે? ધર્મગ્રન્થ તો એક જ હોવો જોઈએ.
ઉત્તર - મૂળવેદ તો એક જ છે. આ ચાર તો શાખાઓ છે.જેમ વૃક્ષ તો એક જ હોય છે, પરન્તુ એની શાખાઓ પાંદડાઓ ફૂલો અને ફલ જુદા જુદા હોય છે, એ બધામાં મૂળ વૃક્ષનો રસ જ કામ કરે છે. એવી જ રીતે મૂળ તો ઋગ્વેદ જ છે, બાકીના બધા તો એનું રૂપાંતર છે.
પૂર્વ મીમાંસામાં મહર્ષિ જૈમિનિએ કહ્યું છે -
गीतेषु सामाख्या।। पू. मी. अ. 2, पाद 1, सूत्र 36।।
અર્થાત ઋગ્વેદના મન્ત્ર જ્યારે ગાન વિદ્યાના નિયમાનુસાર ગાવામાં આવે છે ત્યારે એને ‘સામ’ કહે છે. માત્ર મન્ત્રોને સામ ન કહેવાય. નિયમાનુસાર ગાવામાં આવેલ મન્ત્ર ‘સામ’ કહેવાય છે. આદિત્ય ઋષિએ ઋગ્વેદના મન્ત્રોને ગાનવિદ્યા અનુસાર સ્વર, તાલાદિથી યોગ્ય બનાવ્યા. એજ સામવેદ કહેવાયો. જેમ કે સામવેદનો પહેલો મન્ત્ર છે -
अग्न आयाहि वीतये। गृणानो हव्य दातये। निहोता सत्सि बर्हिषि।। साम. पू. 1,1,1।।
આ મન્ત્ર મૂળતઃ ઋગ્વેદના છઠ્ઠા મંડલના સોળમાં સૂક્તનો દસમો મન્ત્ર છે. બંને વેદમાં એક જ શબ્દ છે. એક જ ઋષિ અર્થાત ભરદ્વાજ-બાર્હસ્પત્ય, એક જ દેવતા અગ્નિ છે. એક જ છન્દ ગાયત્રી છે. ઉદ્દાત, અનુદાત્ત અને સ્વરિત સ્વર પણ એક જ છે. અર્થાત ઋગ્વેદમાં જે ઉદ્દાત્ત છે એજ સામવેદમાં પણ ઉદ્દાત્ત છે. જે ઋગ્વેદમાં અનુદાત્ત છે એ સામવેદમાં પણ અનુદાત્ત છે. જે ઋગ્વેદમાં સ્વરિત છે એ સામવેદમાં પણ સ્વરિત છે. માત્ર લેખન શૈલીમાં ભેદ છે. ઋગ્વેદમાં આડી અને ઊભી લીટીઓમાં સ્વર-ચિન્હો બતાવવામાં આવ્યા છે. સામવેદમાં 1,2,3 આદિ અંક આપવામાં આવ્યા છે. મન્ત્ર એક જ છે, પરન્તુ સામવેદમાં ગાવાનો પ્રકાર જુદો છે. એના નામ છે -રથન્તર, બૃહત્ સામ, વૈરૂપ સામ,વૈરાજ સામ, શંકર સામ,રૈવત્સામ (જુઓ યજુ. અ. 10. મં.10-24) કેટલાક સામગાયનોના જુદા-જુદા નામ પણ છે.
ગાવાની શૈલીનું નામ સામ છે. જે ઋગ્વેદની ઋચાનું એ સામ ગાન ગાવામાં આવે છે એ ઋગ્ એ સામની ‘યોનિ’ કહેવાય છે. એટલે એમ ન માનવું જોઈએ કે ઋગ્વેદ જુદો છે અને સામવેદ જુદો. જે લોકો ઋગ્વેદને વાંચતા હતા તેઓ ગાતા નહોતા, તેઓ ઋગ્વેદીય કહેવાયા. જે ગાયન જાણતા હતા તેઓ સામવેદીય કહેવાયા. એવી જ રીતે ઋગ્વેદના મન્ત્રોના આધારે વાયુ ઋષિએ યજ્ઞ, ક્રિયા, કૌશલ તથા અન્ય કૃત્યોનો પ્રચાર કર્યો. એનું નામ યજુર્વેદ કહેવાયું. અંગિરા ઋષિએ ઋગ્વેદના આધારભૂત કેટલાક મન્ત્રોનું વિસ્તારથી વર્ણન કર્યું. એમાં ચિકિત્સા, કૃષિ, વિવાહ આદિ કાર્યોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એ અથર્વવેદ કહેવાયો. આ ચારે ઋષિ સમકાલીન હતા. અર્થાત સૃષ્ટિના આરમ્ભમાં થયા. એટલે ચારે વેદોમાં ચાર નામ આવે છે.જુઓ -
(1) ऋक्सामाभ्यामभिहितौ गावौ। ऋक्. 10, 85, 11
ઋક્ અને સામ સમાન બે ગાયા -
(2) विश्वेदेवा अनु दत्त ते यजुर्गुः।। ऋक्. 10, 2, 3
બધા દેવો પાછળથી તારા યજુનું ગાન કરે છે.
(3) अग्निर्जातौ अथर्वणा विदद् विश्वानि काव्या।। ऋक. 10, 21, 5
અથર્વાથી ઉત્પન્ન થયેલ વિદ્યાએ સમસ્ત કાવ્યોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
અહીં ઋગ્વેદમાં સામ, યજુ અને અથર્વનું વર્ણન છે.
હવે યજુર્વેદમાં જુઓ -
(4) ऋक् सामयोः शिल्पे स्थः।। यजु. 4, 9
ઋક્ અને સામ બે શિલ્પ છે.
अथर्वभ्यो अवतोकान्।। यजु. 30, 15
હવે અથર્વ જુઓ -
यत्र ऋषयः प्रथमजाः ऋचः सामयजुर्मही।
एकर्षिर्यस्मिन्नआर्पितः स्कम्भूतं ब्रूहि कतमा स्वदेव सः।। अथर्व. 10, 7,14
અર્થાત સહુથી પહેલા સૃષ્ટિમાં જન્મેલા ઋષિઓએ ઋક્, યજુ અને સામનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
સામવેદમાં પણ મોટેભાગે ઋગ્વેદની જ ઋચાઓ છે.
એવી જ રીતે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ સમકાલીન છે અને એક જ વેદની ચાર શાખાઓ છે. એને ઉપચારની ભાષામાં વેદત્રયી અથવા વેદ-ચતુષ્ટય કહેવામાં આવે છે. એ જ કારણ છે કે જુદા-જુદા પ્રકરણોમાં એજ મન્ત્રો વારંવાર ચારે વેદોમાં આવે છે. એને પુનરોક્તિ દોષ ન કહેતા અનુવાદ કહે છે.
वेदामृतम् - ६ यजुर्वेद परिचय
ચાર વેદોમાં ऋग्वेद પછી यजुर्वेद નું સ્થાન છે. વાયુપુરાણતો यजुर्वेद ને ऋग्वेद થી પણ જુનો કહે છે. એટલે ભલે ક્રમમાં બીજું સ્થાન છે પણ મહત્વતો ઋગ્વેદનાં જેટલું જ છે. આ યજુર્વેદનો વિસ્તારથી પરિચય જોઈએ.
1) यजुर्वेद પરિભાષા :
यजुर्वेद નાં મંત્રોને यजु: = यजुष् કહેવામાં આવે છે.
આ यजु: શબ્દનાં ઘણા અર્થ થાય છે, પણ મુખ્ય અર્થ 'યજ્ઞ' થાય છે.
પાણિનિમુનિ એ यज्ञ ની ઉત્પત્તિ यज् = યજન કરવું ધાતુથી બતાવી છે.
બ્રાહ્મણગ્રંથોમાં यजु: ને यज् ધાતુ સંબંધિત બતાવ્યું છે.
આ રીતે यजु: , यज् અને यज्ञ ત્રણેય શબ્દો એકબીજાનાં પર્યાય બને છે.
આ રીતે યજ્ઞમંત્રો દ્વારા પરમજ્ઞાન આપતો ગ્રંથ તે યજુર્વેદ.
2) यज्ञ નું વાસ્તવિક સ્વરૂપ -યજ્ઞ અહિંસાત્મક છે :
યજુર્વેદનાં મંત્રો યજ્ઞનું પ્રતિપાદન કરનારા છે. આથી જ પ્રાચીન ભારતની યજ્ઞ સંસ્થાઓનાં પરિચય અને યજ્ઞ સંબંધી અધ્યયન માટે યજુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે.
યજ્ઞની બે ધારાઓ/પ્રકાર છે. એક યજ્ઞનું સનાતન રૂપ જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને બાદમાં સૃષ્ટિનું પોષણ અને પરિવર્તન થતું રહ્યું છે. બીજું યજ્ઞનું લૌકિક સ્વરૂપ જે સંકલ્પપૂર્વક કરવામાં આવે છે જેમ કે અગ્નિહોત્રાદિ યજ્ઞો. આ લૌકિક યજ્ઞનું મૂળ સૂત્ર એ છે કે પોતાના અધિકારમાં રહેલી વસ્તુને દેવકાર્ય અથવા લોકકલ્યાણ માટે સમર્પિત કરી દેવું.
યજ્ઞનું પ્રતિપાદન કરનારા યજુર્વેદનાં મંત્રોમાં કોઈ જગ્યા એ યજ્ઞમાં હિંસા/પશુવધ/ પશુબલિ કરવાનું કહેવામાં આવ્યું નથી. કારણ કે યજ્ઞ ને " अध्वरः " = હિંસા રહિત કહેવામાં આવ્યાં છે. પરંતુ કેટલાક વિદ્વાનો એ યજુર્વેદનાં મંત્રોના અમુક શબ્દોનાં અર્થ જુદી રીતે રજુ કરીને યજ્ઞને હિંસાયુક્ત બતાવ્યા છે જે સર્વથા અયોગ્ય છે, અવૈદિક છે. અને આના આધારિત યજ્ઞો પણ થાય છે જેને યજ્ઞ કહી જ ન શકાય.
(યજ્ઞનાં વાસ્તવિક સ્વરૂપ અંગેની વિશેષ ચર્ચા વિસ્તૃત લેખમાં કરીશું.)
2) यजुर्वेदનાં મંત્રોનું સ્વરૂપ :
યજ્ઞ સંબંધિત યજુર્વેદનાં મંત્રો ગદ્ય સ્વરૂપમાં છે. ગદ્ય એટલે ચોક્કસ શબ્દોની બાંધણી વગરનું. આથી જ યજુર્વેદનાં મંત્રો ને " गद्यात्मको यजु: "
" अनियताक्षरावसानो यजु: " = જેમાં અક્ષરોની સંખ્યા નક્કી નથી એવું એટલે કે છંદોનાં બંધારણ વગરનું એવા કહેવામાં આવ્યા છે.
જો કે ગદ્યાત્મક સ્વરૂપ હોવા છતાં યજુર્વેદમાં ઋગ્વેદનાં 663 મંત્રો યથાવત રહેલાં છે, આ ઉપરાંત શુકલ યજુર્વેદનો 40મો અધ્યાય એટલે કે ઈશાવાસ્યોપનિષદનાં 17 મંત્રો પણ પદ્યાત્મક છે.
3) યજુર્વેદની બે પરંપરા - કૃષ્ણ યજુર્વેદ અને શુકલ યજુર્વેદ :
યજુર્વેદનાં મુખ્ય ઋષિ વૈશમ્પાયન છે, વૈશમ્પાયને તેમનાં શિષ્યોને યજુર્વેદનું અધ્યયન કરાવ્યું હતું.
યજુર્વેદની બે પરંપરા છે - બ્રહ્મ સંપ્રદાય અથવા કૃષ્ણ યજુર્વેદ અને આદિત્ય સંપ્રદાય અથવા શુકલ યજુર્વેદ.
બ્રહ્મ સંપ્રદાયમાં એટલે કે કૃષ્ણ યજુર્વેદ પરંપરામાં યજુર્વેદનાં વેદમંત્રો ઉપરાંત યજુર્વેદનાં બ્રાહ્મણગ્રંથો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આદિત્ય સંપ્રદાયમાં એટલે મેં શુકલ યજુર્વેદ પરંપરામાં બ્રાહ્મણ ગ્રંથો ના મિશ્રણ વગરનાં માત્ર યજુર્વેદનાં વેદમંત્રો ને જ સંહિતામાં સ્થાન આપવામાં આવ્યું છે. શુકલ યજુર્વેદ સંહિતાનાં ગ્રાથાનકર્તા વૈશમ્પાયનનાં શિષ્ય યાજ્ઞવલ્ક્ય છે. યાજ્ઞવલ્ક્ય વાજસનેય ઋષિનાં સંતાન હોવાથી શુકલ યજુર્વેદ સંહિતા ને "વાજસનેયી સંહિતા" પણ કહેવામાં આવે છે.
યજુર્વેદનાં આ બે ભાગો અંગે આચાર્ય મહિધરે શુકલ યજુર્વેદ પર ભાષ્ય લખતાં પહેલાં ભૂમિકામાં પ્રાચીન આખ્યાન વર્ણવ્યું છે-
એક વાર વૈશમ્પાયન પોતાના શિષ્ય યાજ્ઞવલ્ક્ય પર ક્રોધે ભરાયા અને યાજ્ઞવલ્ક્યે અધિત કરેલું યજુર્વેદ વમન કરવાં કહ્યું. વૈશમ્પાયનનાં શાપથી ભયભીત થઇને યાજ્ઞવલ્ક્યે યજુર્વેદનું વમન કર્યું. વૈશામ્પાયનની આજ્ઞાથી અન્ય શિષ્યો એ યાજ્ઞવલ્ક્યે વમન કરેલ યજુર્વેદનું તિત્તિર પક્ષી બની ભક્ષણ કર્યું. તે કૃષ્ણ યજુર્વેદ કહેવાયો.
દુઃખી થયેલા યાજ્ઞવલ્ક્યે સૂર્યની ઉપાસના દ્વારા યજુર્વેદ મંત્રોનાં દર્શન કર્યા. ત્યારબાદ તેને સંહિતાનું સ્વરૂપ આપ્યું તે શુકલ યજુર્વેદ કહેવાયો.
4) યજુર્વેદની શાખાઓ :
મુખ્ય વેદસંહિતા માંથી તેની અલગ અલગ શાખાઓ-સંહિતાઓ કેવી રીતે બને છે એ આપણે ઋગ્વેદ પરિચયમાં જોયું.
કૃષ્ણ યજુર્વેદ અને શુકલ યજુર્વેદ બંનેની મળીને 101 શાખાઓ હતી. આમાંથી 86 શાખા કૃષ્ણ યજુર્વેદની હતી અને 15 શાખા શુકલ યજુર્વેદની હતી. પરંતુ સમય જતાં બંનેની સંહિતાઓ કોઈ કારણસર ઘટતી ગઈ નાશ થતી ગઈ, એમ અત્યારે કૃષ્ણ યજુર્વેદની 4 શાખાઓ રહી છે અને શુકલ યજુર્વેદની માત્ર 2 શાખાઓ રહી છે.
4.1) કૃષ્ણ યજુર્વેદની ચાર સંહિતાઓ-શાખાઓ :
તૈત્તેરીય સંહિતા : તૈત્તેરીય સંહિતા કૃષ્ણ યજુર્વેદની મુખ્ય સંહિતા શાખા છે. યાજ્ઞવલ્કયે વમન કરેલ યજુર્વેદને વૈશમ્પાયન ઋષિનાં શિષ્યો એ તિત્તિર પક્ષી બની ને ભક્ષણ કર્યું આથી કૃષ્ણ યજુર્વેદની આ મુખ્ય સંહિતા શાખા તૈત્તેરીય સંહિતા નામ થી ઓળખાય છે.
તૈત્તેરીય સંહિતામાં 7 કાંડ છે અને 18000 મંત્રો છે. મુખ્ય વિષય યજ્ઞવિષયક કર્મકાંડ છે. કૃષ્ણ યજુર્વેદની આ તૈત્તેરીય સંહિતા પરિપૂર્ણ સંહિતા છે. આ શાખાનું સંપૂર્ણ સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે. આ શાખાનો પ્રચાર અને વિસ્તાર આંધ્ર અને દ્રવિડ તેમજ મહારાષ્ટ્રનો અમુક ભાગમાં થયો હતો.
આ ઉપરાંત મૈત્રાયણી સંહિતા, કઠ સંહિતા, કાપિષ્ઠલ કઠ સંહિતા અને શ્વેતાશ્વતર સંહિતા એમ ચાર શાખાઓ છે. આમથી શ્વેતાશ્વતરનું માત્ર ઉપનિષદ જ ઉપલબ્ધ છે બાકી બધી શાખા સંપૂર્ણ છે.
4.2) શુકલ યજુર્વેદ સંહિતા=વાજસનેયી સંહિતાની બે શાખાઓ :
આગળ જોયું તેમ શુકલ યજુર્વેદનાં મંત્રદ્રષ્ટા અને ગ્રથનકર્તા ઋષિ યાજ્ઞવલ્ક્ય વાજસનેય ઋષિનાં સંતાન હોવાથી શુકલ યજુર્વેદ સંહિતા ને "વાજસનેયી સંહિતા" પણ કહેવામાં આવે છે.
શુકલ યજુર્વેદની બે શાખાઓ છે : માધ્યન્દિન સંહિતા શાખા અને કાણ્વ સંહિતા શાખા. આ બન્ને શાખાઓનો પ્રચાર અને વિસ્તાર ઉત્તર ભારતમાં થયો હતો. બંને શાખામાં કોઈ ખાસ ભેદ નથી કે કોઈ વિરોધાભાસ નથી. બંને શાખાનો મુખ્ય વિષય તમામ પ્રકારનાં યજ્ઞોનું પ્રતિપાદન કરવું એ છે.
યાજ્ઞવલ્ક્ય ઋષિનાં શિષ્ય મધ્યન્દિન ઋષિ એ શુકલ યજુર્વેદની જે શાખાનો વિસ્તાર કર્યો તે શુકલ યજુર્વેદની માધ્યન્દિન સંહિતા શાખા બની. આમાં 40 અધ્યાય અને 1975 મંત્રો છે. માધ્યન્દિન સંહિતા શાખાનો 40મો અધ્યાય ઈશાવાસ્યોપનિષદ તરીકે ઓળખાય છે જે પ્રમુખ 10 ઉપનિષદોમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
યાજ્ઞવલ્ક્ય ઋષિનાં શિષ્ય કણ્વ ઋષિ એ શુકલ યજુર્વેદની જે શાખાનો વિસ્તાર કર્યો તે શુકલ યજુર્વેદની કાણ્વ સંહિતા શાખા બની. આમાં 40 અધ્યાય અને 2086 ( માધ્યન્દિન સંહિતા શાખા કરતાં 111 વધુ) મંત્રો છે. આ કાણ્વ શાખાનો પ્રચાર અને વિસ્તાર ઉત્તર ભારત ઉપરાંત મહારાષ્ટ્ર
પણ છે.
5) યજુર્વેદનાં વિષયનું વર્ણન :
યજુર્વેદની બંને મુખ્ય પરંપરામાં માત્ર યજ્ઞ-કર્મકાંડનું વર્ણન નથી, આના ઉપરાંત અનેક સુંદર વિચારોનો સંગ્રહ છે. જેમ કે ઈશાવાસ્યોપનિષદ, શિવસંકલ્પ મંત્રો, રુદ્રાધ્યાયી (બ્રાહ્મણોને પ્રિય!!) , તત્વજ્ઞાનનાં મંત્રો, ભક્તિભાવ પૂર્ણ મંત્રો અને આત્મકલ્યાણ/શ્રેયનાં મંત્રોનું પણ પ્રતિપાદન થયેલું છે. માત્ર એક ઉદાહરણ જોઈએ-
तेजोऽसि तेजो मयि धेहि
वीर्यमसि वीर्य मयि धेहि
बलमसि बलं मयि धेहि
ओजोऽस्योजो मयि धेहि
मन्युरसि मन्यु मयि धेहि
सहोऽसि सहो मयि धेहि।।
शुक्ल यजुर्वेद 19.9
" હે પરમાત્મા!
તમે તેજ છો, મારામાં તેજની સ્થાપના કરો,
તમે વીર્ય છો, મારામાં વીર્યની સ્થાપના કરો,
તમે બળ છો, મારામાં બળની સ્થાપના કરો,
તમે ઓજ છો, મારામાં ઓજની સ્થાપના કરો,
તમે મન્યુ (અનીતિનાં સંહારક) છો, મારામાં અનીતિને સંહાર કરવાની શક્તિની સ્થાપના કરો,
તમે સહ સર્વોત્તમ બળ છો, મારામાં પણ તે સહ સર્વોત્તમ બળની સ્થાપના કરો!! "

No comments:
Post a Comment