KULDEVI / KULDEVTA : BHATIA COMMUNITY

Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Tuesday, October 24, 2017

ગાયત્રી મંત્ર નો અર્થ અને મહિમા

ગાયત્રી મંત્ર નો અર્થ અને મહિમા 
ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરનો અર્થ અને તેનો મહિમા
એક જ ગાયત્રી મંત્રથી 24 દૈવી શક્તિ એક સાથે સુલભ થાય છે. આ ગાયત્રી મંત્રના 24 અક્ષરો દૈવી શક્તિઅઓના ચોવીસ બીજ છે. ગાયત્રી મંત્રના પ્રત્યક્ષ અક્ષર એક એક દેવતા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ચોવીસ દૈવી શક્તિનો લાભ થાય છે.
(1)ગણેશ - પ્રત્યેક શુભ કાર્ય ગજાનન ગણેશના પૂજનથી થાય છે. વિઘ્ન વિનાયક, સફળતા પ્રદાયક ગણેશ બુદ્ધિ તથા શ્રેષ્ઠ જ્ઞાન આપનારા છે.
(2)નૃસિંહ - આ પરાક્રમ અને શક્તિના અધિકારી દેવ છે. તેઓ પુરુષાર્થ, વિરતા, ધીરતા અને વિજય પ્રદાન કરે છે. આતંક, ભય, કાયરતા વગેરે દૂર કરી શત્રુના આક્રમણથી રક્ષા કરે છે અને શત્રુનો સંહાર કરે છે.
(3)વિષ્ણુ - એ પાલન શક્તિના અધિકારી છે. સમસ્ત પ્રાણીઓનું પાલન - પોષણ કરનારા, જીવન રક્ષક આજીવિકા પ્રદાન કરે છે.
(4)શિવ - કલ્યાણ શક્તિના અધિકારી દેવ છે. જીવોને આત્મપરાયણતા અને કલ્યાણકારી શક્તિ પ્રદાન કરી અનિષ્ટ અને પતનથી રક્ષા કરે છે.
(5)કૃષ્ણ - આ યોગ શક્તિના અધિષ્ઠાતા, અનાસક્તિ, વૈરાગ્ય, સદજ્ઞાન, સૌંદર્ય અને સ-રસના પ્રદાન કરે છે.
(6)રાધા - પ્રેમ શક્તિની અધિષ્ઠાતા દૈવી છે. ભક્તોને સાચો પ્રેમ કરવાની શક્તિ આપી દ્વેષ ભાવ ધૃણા વગેરે દૂર કરે છે.
(7)લક્ષ્મી - ધન, વૈભવ અને શક્તિની અધિષ્ઠાત્રી છે. ઉપાસકોને વૈભવ, ઐશ્વર્ય, સંપત્તિ, પદ, યશ અને સર્વ પ્રકારના ભૌતિક સુખો પ્રદાન કરનારી દેવી છે.
(8)અગ્નિ - આ તેજ શક્તિના અધિષ્ઠાતા દેવ છે. ઉષ્ણતા, તેજ, પ્રકાશ, શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરનારા છે.
(9)ઈન્દ્ર - આ રક્ષ શક્તિના અધિષ્ઠાતા છે. રોગ, અનિષ્ઠ, આક્રમણ, હિંસા, ચોર, શત્રુ, ભૂતપ્રેત વગેરેથી રક્ષા કરનારા છે.
(10)સરસ્વતિ - જ્ઞાનશક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. જ્ઞાન, વિવેક, દૂરદર્શિતા, બુદ્ધિમત્ત, વિચારશીલતા વગેરે પ્રદાન કરનારી દેવી છે.
(11)દુર્ગા - આ દમનશક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. સમસ્ત વિધ્ન, નડતર, સંધર્ષ પર વિજય અપાવનારી, અહંકારને ચૂર કરનારી, સામર્થ્ય તથા શક્તિ દેનારી છે.
(12)હનુમાન - હનુમાનજી નિષ્ઠા શક્તિના અધિકારી છે. ઉપાસકોને ભક્તિ, નિષ્ઠા, કર્તવ્યપરાયણતા, વિશ્વાસ, નિર્ભયતા તથા બ્રહ્મચર્ય પાલનની શક્તિ પ્રદાન કરે છે.
(13)પૃથ્વી - આ ધારણ શક્તિની દેવી છે. ગંભીરતા ધૈર્ય, પ્રઢતા, સહિષ્ણુતા, સહનશીલતા ભારવાહકતા નિરન્તરતા વગેરે પ્રદાન કરનારી છે.
(14)સૂર્ય – પ્રાણશક્તિના અધિષ્ઠાતા દેવ છે ઉપાસકોને આરોગ્ય, દીર્ઘ જીવન, પ્રાણશક્તિ, વિકાસ, ઉષ્ણતા પ્રદાન કરે છે.
(15)રામ - મર્યાદા પુરુષોત્તમ મર્યાદા શક્તિના અધિકારી છે. ધર્મ, મર્યાદા, સંયમ, મૈત્રી, પ્રેમભાવ, ધીરતા, તિતિક્ષા વગેરે ગુણ પ્રદાન કરનારા છે.
(16)સીતા - તપ - શક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. નિર્વિકાર અને પવિત્ર ભાવથી સાત્વિક-તાલ અનન્યભાવ દ્વારા તપોનિષ્ઠ બનાવે છે. આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પ્રેરક છે.
(17)ચંદ્રમા - આ શાંતિ શક્તિના અધિકારી છે. ચિંતા, શોક, ક્રોધ, નિરાશા, ક્ષોભ, મોહ, લોભ, તૃષ્ણા વગેરે માનસિક વિકારને શાંત કરી શાંતિ પ્રદાન કરનારા છે.
(18)યમ - શક્તિના અધિકારી સમયનો સદુપયોગ મૃત્યુથી નિર્ભયતા, સ્ફૂર્તિ, ચેતના જાગૃતિ પ્રદાન કરે છે.
(19)બ્રહ્મા - ઉત્પાદક શક્તિના દેવ છે. સૃજન શક્તિના અધિષ્ઠાત્રા છે. પ્રત્યેક જડ તથા ચેતન પદાર્થથી રચના તેમજ ઉત્પાદન તથા વૃધ્ધિ કરવાની શક્તિના દાતા છે.
(20)વરૂણ - આ રસ શક્તિના અધિકારી છે. ભાવુકતા, કોમળતા, સરસતા, દયા, પ્રસન્નતા, મધુરતા, કલાપ્રિયતા વગેરે ભાવો હ્રદયમાં પ્રાદુર્ભાવ કરી આનંદની અનુભૂતિ કરાવનારા છે.
(21)નારાયણ - આદર્શ શક્તિ અધિષ્ઠાતા છે. શ્રેષ્ઠતા, મહત્વાકાંક્ષા, ઉત્કૃષ્ટતા, દિવ્યગુણ, ધર્મ, સ્વભાવ, નિર્મળ સચ્ચરિત્ર તથા શુભ કર્મશિલતા પ્રદાન કરનારા છે.
(22)હયગ્રીવ - સાહસ શક્તિના અધિષ્ઠાતા છે. ઉત્સાહ નિર્ભિકતા, વીરતા, શૌર્ય, ધૈર્ય, પુરુષાર્થ, સંઘર્ષ શક્તિ પ્રદાન કરનારા છે.
(23)હંસ - વિવેક શક્તિના અધિષ્ઠાતા છે. ક્ષીર - નીર જ્ઞાન વિશ્વ વિખ્યાત છે. સત્ય - અસત્યનું જ્ઞાન, દૂરદર્શિતા, ઉત્તમ સંગતિ, ગુણ પ્રદાન કરનારા છે.
(24)તુલસી - સેવા - શક્તિની અધિષ્ઠાત્રી દેવી છે. સત્કાર્યમાં પ્રેરણાદાયી, આત્મશાંતિ, પરદુઃખ નિવારણ, પવિત્રતા, નિષ્ઠા વગેરે પ્રદાન કરનારી છે.
આ પ્રમાણે 24 દૈવી શક્તિઓથી ભરપૂર ગાયત્રી મંત્ર સનાતન અને આદિમંત્ર છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિકર્તા બ્રહ્માને આકાશવાણી દ્વારા ગાયત્રી મંત્ર પ્રાપ્ત થયો અને તે મંત્રની સાધના કરવાથી તેમનામાં સૃષ્ટિ રચવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી. ગાયત્રી ચાર ચરણોની વ્યાખ્યારૂપે બ્રહ્માજીએ ચાર મુખોથી ચાર વેદોનું વર્ણન કર્યું. તેથી ગાયત્રીને વેદમાતા પણ કહેવામાં આવે છે. ચારેય વેદ ગાયત્રીની વ્યાખ્યા છે

No comments:

Post a Comment