KULDEVI / KULDEVTA : BHATIA COMMUNITY

Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Tuesday, October 24, 2017

ગાયત્રી મંત્ર અને તેનો અર્થ



 ગાયત્રી મંત્ર અને તેનો અર્થ

સ્તતા મયા વરદા વેદ માતા...' ચારે વેદ-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદમાં જેનો મહિમા વિસ્તૃતપણે વર્ણવેલ છે તે વેદમાતા ગાયત્રીને છાંદોગ્યોપનિષદ સર્વવેદોનો સાર, સર્વવેદોની જનની, પરબ્રહ્મા સ્વરૂપા, કામદા, મોક્ષદા અને ત્રિપદા કહેવામાં આવેલા છે. ગાયત્રી સર્વ પાપોનો નાશ કરે છે. ગાયત્રી ત્રણે દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વરૂપા છે

ઋગ્વેદ (૧, ૧૬૪, ૨૫)માં વર્ણવેલ છે કે ગાયત્રી વૈદિક સપ્તછંદોમાંથી એક પ્રથમ છંદ છે. શ્રીમદ ભગવદ્ ગીતા (૧૦/૩૪)માં પણ કહેવાયું છે કે સર્વ છંદોમાં ગાયત્રીમંત્રનું રટણ કરનારનું રક્ષણ કરનારી છે. સતપથ બ્રાહ્મણ (૬/૧/૧/૧)માં કહેવાયું છે કે ધન્ય થયેલી પૃથ્વી ગાવા લાગી તેથી પૃથ્વીને ગાયત્રી કહેવામાં આવે છે.

વેદ કહે છે કે ત્રિવર્ણ અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને જ યજ્ઞાપવીત સંસ્કારનો અધિકાર છે. આવા ત્રિકોણને મસ્તક પર શિખા અને વાચ સ્કન્ધ પર ઉપવિત્ ધારણ કરવી જોઈએ. ત્રિકાળસંધ્યા વંદન કરવા ઉપરાંત ગાયત્રીમંત્રના જપ કર્યાં પછી તદ્શાંશ હોમ, હોમનું દશાંશ માર્જન, માર્જનનું દશાંશ બ્રાહ્મણ ભોજન કરાવવાને પંચાંગ વિધિ કહેવામાં આવેલ છે.

બુદ્ધ પારાશર સંહિતામાં સ્પષ્ટ આજ્ઞા છે કે મસ્તિષ્ક પર ચોટલી અને વાચ સ્કન્ધ પર જનોઈ વિના જે કંઈ ધર્મ-કર્મ કરવામાં આવે છે તે સઘળાં નિષ્ફળ થઈ જાય છે. શિખા-સૂત્ર વિહીન વ્યક્તિને વેદાધ્યયન યજ્ઞાયાગ અને અન્યાન્ય ધર્મ-કર્મ કરવાનો અધિકાર નથી. તે ગાયત્રીમંત્રના જપ કરવાનો પર અધિકાર માનવામાં આવ્યો નથી.

બ્રર્હ્મિષ ઋષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલ ગાયત્રીમંત્રનો ઉલ્લેખ યજુર્વેદના છત્રીસમા અધ્યાયમાં જોવા મળે છે. ગાયત્રીમંત્રને સાધના માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે. આ ૨૪ અક્ષરના મહામંત્રમાં દિવ્ય શક્તિ છુપાયેલી છે. જેને જાણીએ તો જીવન ધન્ય થઈ જાય.

ગાયત્રીમંત્રમાં સૂર્યના તેજ જેટલી જ પ્રખરતા છે. તેથી ગાયત્રીમંત્રનો જપ કરવાથી સાધકનું ચરિત્ર પરિષ્કૃત થાય છે. વિશ્વામિત્ર,વશિષ્ઠ વગેરે ઋષિઓએ ગાયત્રીમંત્રની સાધના કરીને આધ્યાત્મિક જગતમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. ગાયત્રીમંત્રના ૨૪ અક્ષરોમાં ૨૪ તત્ત્વોનો સમાવેશ છે જેમાં પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ વગેરે છે. જેનો સવિસ્તર ઉલ્લેખ સાંખ્યમાં છે. ગાયત્રી મહામંત્રમાં અસંખ્ય રહસ્યો છુપાયેલાં છે.

ગાયત્રી મંત્રનો પરિચય
ગાયત્રી મંત્ર એ એક ચમત્કારિક મંત્ર છે. આ મંત્રને સદ્બુદ્ધિનો મંત્ર પણ કહેવામાં આવે છે. ભક્તિના માર્ગમાં આગળ જવા માટે શરીરની બાહ્ય પવિત્રતાની સાથે મનની આંતરિક શુદ્ધિ પણ જરૂરી છે. સાધકનું ચરિત્રનિર્માણ તે ભક્તિનું પહેલું પગથિયું છે. ગાયત્રી મંત્રના જપથી મન પર સવાર થયેલા કુવિચારો, દુર્ભાવનાઓ વગેરે દૂર થાય છે, કારણ કે આ મહામંત્રના ઉચ્ચારમાત્રથી શરીરમાં રહેલી ૨૪ શક્તિ જાગૃત થાય છે. ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોમાં એવી પ્રેરણા ભરેલી છે કે સાધકના અંતઃકરણમાં તે ચેતનાનો સંચાર કરે છે. મંત્રના ૨૪ અક્ષરોમાં છુપાયેલા અમોઘ સ્ત્રોતનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે.

ઓમઃ શબ્દનો અર્થ છે પરમાત્મા દરેક જીવોમાં સમાવિષ્ટ છે. તેથી લોકહિત માટે નિસ્વાર્થ ભાવે કર્મ કરવું જોઈએ.

ભૂઃ શબ્દનો અર્થ એ છે કે માનવદેહ નાશવંત છે. તેથી જીવનમાં આત્મઉત્થાન અને આત્મકલ્યાણ માટે પ્રવૃત્ત રહેવું જોઈએ.

ભૂવઃ  શબ્દનો ભાવાર્થ જે દુષ્કર્મોથી દૂર રહીને અપૂર્ણતાથી પૂર્ણતા તરફ ગતિ કરવી એટલે કે માનવીએ દેવત્વની સ્થિતિએ પહોંચવા જીવનમાં સદ્ગુણોનું સંવર્ધન કરવું.

સ્વઃ ગૂઢાર્થ દર્શાવે છે કે સત્યના માર્ગ પર ચાલીને એક આદર્શ જીવનનું ઉદાહરણ પાર પાડતા અન્ય લોકોને પણ સત્યનિષ્ઠ જીવનની પ્રેરણા આપવી.

તત્ સવિતુ વરેણ્યં જે જીવન વિજ્ઞાન અને શક્તિ સંચય અને શ્રેષ્ઠતાનો મહિમા સમજાવે છે.

ભર્ગોઃ શબ્દનો આશય છે કે મનુષ્યે પાપોથી સાવધ રહેવું જોઈએ. બુદ્ધિ અને મનને નિર્મળ રાખવું જોઈએ.

દેવસ્યઃ શબ્દનું તાત્પર્ય છે કે દિવ્ય દૃષ્ટિ રાખી આ લોક અને પરલોકનો વિચાર કરવો. શુદ્ધ દૃષ્ટિ રાખવાથી અન્ય જીવો પરત્વે દુર્ભાવ જાગતો નથી. તેથી દિવ્ય દૃષ્ટિ મનુષ્યની અંદર અને બહાર દિવ્ય સૃષ્ટિનું સર્જન કરે છે.

ધીમહિઃ શબ્દનો અર્થ છે સદ્ગુણો ધારણ કરવા અને સદ્ગુણોનો સમૂહ એટલે પરમાત્મા તેમજ સદ્ગુણો દ્વારા જ જીવની શિવ તરફ ગતિ થાય છે.

ધિયોઃ નો પ્રતિત્વની વિવેક છે. જીવનમાં વિવેકથી બુદ્ધિપૂર્વકનું મંથન કરી માખણ જેવું ઉત્કૃષ્ટ પ્રકારનું તત્ત્વ શોધી જીવનને સત્યના માર્ગ પર ચલાવવું.

યોનઃ ઈન્દ્રિયોનું તત્ત્વજ્ઞાન સંયમનું મહાત્મ્ય સમજાવે છે. તે ઈન્દ્રિયોને સન્માર્ગે વાળે છે. સંયમથી જ સાધના શક્ય બને છે અને સાધનાથી જ જીવન દેવતાની આરાધના શક્ય બને છે.

પ્રચોદયાત્ શબ્દનો અર્થ છે સેવા. જગતમાં પુણ્ય કમાવવાનો સરળ અને સાદો રસ્તો સેવા છે. જેનાથી મનુષ્ય સત્કર્મ કરી પુણ્ય અર્જિત કરી શકે છે. ગાયત્રી મહામંત્ર અનેક ગૂઢ રહસ્યથી ભરેલ છે. એવી માન્યતા છે કે સ્વર્ગમાં એક એવું વૃક્ષ છે જેની નીચે બેસીને જે પણ વસ્તુનો વિચાર કરવામાં આવે તે આપણી સમક્ષ હાજર થઈ જાય છે. સ્વાભાવિક છે કે આ સાંભળીને એવો વિચાર આવે કે આવું એક કલ્પવૃક્ષ આપણને મળી જાય તો જીવનની બધી જ ઇચ્છાઓ પૂરી થઈ જાય. વાસ્તવમાં આવું જ એક કલ્પવૃક્ષ પૃથ્વી પર પણ છે. જેમાં દેવલોકના કલ્પવૃક્ષ જેટલી જ શક્તિ છે. આ વૃક્ષ છે ગાયત્રી મંત્ર. જો સાચા અર્થમાં આ મંત્રની સાધના નીતિ-નિયમો સાથે અને શુદ્ધ ચારિત્ર્ય સાથે કરવામાં આવે તો દરેક સાધક માટે ગાયત્રી મંત્ર મનોવાંછિત ફળ આપનાર કલ્પવૃક્ષ સમાન જ બની રહે છે.  

ત્રિપદા ગાયત્રી
ગાયત્રી છંદનાં ત્રણ ચરણ હોવાથી તેને ત્રિપદા ગાયત્રી કહેવાય છે. દરેક ચરણમાં આઠ અક્ષર હોય છે તેથી ગાયત્રી મંત્રમાં ૮+૩=૨૪ અક્ષરો છે. ઋગ્વેદમાં ગાયત્રીનું ઐક્ય અગ્નિ સાથે કલ્પિત છે. ઋગ્વેદમાં અગ્નિસૂક્ત વિશેષતઃ ગાયત્રી છંદમાં આપવામાં આવેલ છે. ગાયત્રી મંત્રના દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર છે. દેવતા સવિતા સૂર્ય છે. ઋગ્વેદ (૩/૬૨/૧૦)માં ગાયત્રી મંત્ર આપ્યો છે, જેનો અર્થ થાય છે. તે સૂર્ય દેવના સર્વશ્રેષ્ઠ તેજ, દિવ્ય તેજ જેનું અમે ધ્યાન કરીએ છીએ, અમારી બુદ્ધિને પુરુષાર્થ, ચતુષ્ટય-ધર્મ-અર્થ-કામ-મોક્ષમાં પ્રેરિત કરો.

ગાયત્રી મંત્ર વિશે ઋષિઓ અને મહાત્માઓએ શું કહ્યું છે?

મર્હિષ વ્યાસઃ કામની સફળતા તથા તપની સિદ્ધિ માટે ગાયત્રી મંત્રથી શ્રેષ્ઠ કોઈ નથી.

તૃગીઋષિઃ જ્ઞાન-વિજ્ઞાનનો આદિ સ્ત્રોત ગાયત્રી છે.

રવીન્દ્રનાથ ટાગોરઃ ભારત વર્ષને જગાડનાર જો કોઈ સરળ મંત્ર હોય તો તે ગાયત્રી છે.

શ્રી અરવિંદઃ ગાયત્રીમાં એવી મહાન શક્તિ છે કે જેનાથી મહત્ત્વપૂર્ણ કાર્ય પાર પડી શકે છે.

સ્વામી રામકૃષ્ણ પરમહંસઃ ગાયત્રીનું તપ કરવાથી મોટી-મોટી સિદ્ધિઓ મળે છે. મંત્ર નાનો છે, પણ શક્તિ મહાન છે.

મહાત્મા ગાંધીઃ ગાયત્રીનો સ્થિર ચિત્તથી અને શાંત હૃદયે જપ કરવામાં આવે તો સંકટોનું નિવારણ થાય છે.

સ્વામી વિવેકાનંદઃ ગાયત્રી સદ્બુદ્ધિનો મંત્ર છે તેથી તેને મંત્રનો મુકુટમણિ કહ્યો છે. 
 (સંદેશ માં થી સાભાર )

ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી, આધ્યાત્મિક સુખોને લઇને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે.

ગાયત્રી વેદમાતા છે.ધાર્મિક દ્રષ્ટિથી ગાયત્રી ઉપાસના દરેક પાપનો નાશ કરનારી, આધ્યાત્મિક સુખોને લઇને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે. ગાયત્રી સાધનામાં ગાયત્રી મંત્રનું મહત્વ છે. આ મંત્રના 24 અક્ષર એ માત્ર અક્ષર જ નથી, પણ 24 દેવી- દેવતાઓના સ્મરણ બીજ છે, આ બીજ અક્ષરો વેદ, ધર્મશાસ્ત્રોમાં બતાવેલા અદભુત જ્ઞાન પર આધારિત છે.

વેદોમાં ગાયત્રી મંત્ર જાપથી આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન, બ્રહ્મચર્યના રૂપમાં મળનારા સાત રૂપ બતાવવમાં આવ્યા છે. વાસ્તવમાં ગાયત્રી મંત્ર એ ઇશ્વરનું ચિંતન, ઇશ્વરીય ભાવને અપનાવવા અને બુદ્ધિની પવિત્રતાની પ્રાર્થના છે.

  ऊँ भू: भुव:स्व: तत् सवितु वरेण्यं भर्ग: देवस्य धियो यो न: प्रचोदयात्।

સૂક્ષ્મ અર્થ

  ऊँ - ઇશ્વર

  भू: - પ્રાણ સ્વરૂપ

  भुव: - દુ:ખનાશક

  स्व: - સુખ સ્વરૂપ

  तत् - ઉસ

  सवितु: - તેજસ્વી

  वरेण्यं - શ્રેષ્ઠ

  भर्ग: - પાપનાશક

  देवस्य - દિવ્ય

  धीमहि – ધારણ કરો

  धियो - બુદ્ધિ

  यो - જો

  न: - આપણી

  प्रचोदयात् – પ્રેરિત કરો

આ દરેક અક્ષરને જોડવા પર બને છે આ મંત્ર - તે પ્રાણ સ્વરૂપ, દુખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અન્તરાત્મામાં ધારણ કરીએ છીએ. ઇશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરે.

No comments:

Post a Comment